નોટિસ બોર્ડ

આ બ્લોગ મા આપણુ હાર્દિક સ્વાગત છે.


Saturday 11 April 2015

કોઈ મુશ્કેલી જ ન હોય તો જીવન પોતે મુશ્કેલી બની જાય

કોઈ મુશ્કેલી જ ન હોય તો જીવન પોતે મુશ્કેલી
બની જાય છે

ગુલાબના છોડમાં કાંટા હોય છે, તેનો કકળાટ ન
કરો;
કાંટાના છોડમાં ગુલાબ ઊગ્યું છે, તેનો ઉત્સવ
કરો.
- અરબી કહેવત
આપણી પાસે જે નથી તેના માટે આપણે હંમેશાં
ફાંફાં માર્યા કરીએ છીએ અને જે છે તેનું મહત્ત્વ
કરવાનું ચૂકી જઈએ છીએ. જે નથી તેની લાયમાં ને
લાયમાં જે છે તેનું પણ મહત્ત્વ ગુમાવી બેસીએ
છીએ.
ક્યારેક તમે તમારી જિંદગીથી સાવ નિરાશ થઈ
જતા હશો,પણ શક્ય છે ત્યારે કોઈ વ્યક્તિ તમારા
જેવું જીવન જીવવાનું સપનું જોતું હોય. ફળિયાના
મેદાનમાં કે ખેતરમાં ઊભેલું એક બાળક આકાશમાં
ઊડતું વિમાન જોઈને પોતે પણ આકાશમાં
ઊડવાની ઝંખના સેવતું હોય છે, જ્યારે તે જ સમયે
વિમાનમાં ઊડતો પાઇલટ ધરતી પરનાં ખેતરો,
મકાનો, હરિયાળી, બાળક – આ બધું જોઈને પોતે
ઘરે પાછા જવાનું સપનું જોઈ રહ્યો હોય છે. આ જ
જીવન છે. જે તમારે નથી જોઈતું તે શક્ય છે કે
બીજાને માટે ખૂબ જ કિંમતી હોય અને જેનું મૂલ્ય
તમારે મન જીવન કરતાં પણ વિશેષ હોય તે જ વસ્તુ
શક્ય છે બીજી વ્યક્તિઓ માટે ધૂળ બરાબર હોય.
જે તમારી પાસે છે તેની મજા લો. જે નથી તેની
પાછળ પડ્યા રહેવાનો અર્થ નથી. માત્ર પૈસા જ
સુખની તમામ ચાવી હોય તો તમામ ધનવાનો
તમને ખુશીના માર્યા નાચતા દેખાતા હોત, પણ
આવું તો ગરીબ વસ્તીમાં ફાટેલી ચડ્ડી પહેરીને
ફરતાં બાળકો કે ગામડામાં ઝાડ પર ચડ-ઊતર
કરતાં તોફાની બાળકો જ દેખાતાં હોય છે. જો
સૌંદર્ય અને પ્રસિદ્ધિ સંબંધને ગાઢ બનાવતી
હોય તો સેલિબ્રિટીઝનું લગ્નજીવન વધારે સફળ
વીતતું હોત, પણ આપણે બધા જ જાણીએ છીએ કે
ખરેખર એવું નથી. જો પાવર મળી જવાથી રક્ષણ
મળી જતું હોય તો બધા જ અધિકારીઓ કે નેતાઓ
સિક્ટોરિટી ગાર્ડ વિના મોકળા મને ફરતા
હોત. આપણે સમસ્યાઓથી મુક્ત થવા માગીએ
છીએ. આપણે એવું ઇચ્છીએ છીએ કે જીવનમાં કોઈ
મુશ્કેલી જ ન આવે, પણ એવું શક્ય નથી. જો
જીવનમાં કોઈ મુશ્કેલી જ ન હોય તો જીવન પોતે
જ એક મુશ્કેલી બની જાય છે. ઉર્દૂના કવિ અસગર
ગોંડવીનો એક શેર છે :
ચલા જાતા હૂં હસતા ખેલતા મૌજે – હવાદિસ સે,
અગર આસાનિયા હો જિંદગી દુશવાર હો જાએ.
જિંદગીમાં બધે સરળતા હોય તો જિંદગી જીવવી
અઘરી થઈ પડે. જો જીવનમાં કોઈ સમસ્યા જ ન
હોય,કોઈ તકલીફ જ ન હોય તો પછી જિંદગી
જીવવાની મજા શું ? આ વાત હિંદી કવિ પંડિત
વ્રજ નારાયણ ચકબસ્તે પોતાના શેરમાં જુદી રીતે
વ્યક્ત કરી છે :
અગર દર્દે-મુહોબ્બત સે ઇન્સાં ન આસના હોતા, ન
કુછ મરને કા ગમ હોતા, ન જીને કા મજા હોતા.
જો દુઃખ ન હોત તો જીવન જીવવાની કે જીવીને
મરવાની કોઈ જ મજા ન હોત. વસીમ બરેલવીએ
એક શેરમાં કહ્યું છે કે મુશ્કિલેં તો હર સફર કા હુશન હૈ.
એટલે કે સમસ્યા તો સફરનું સૌદર્ય છે. મુશ્કેલી
વગરની મુસાફરી પાન વિનાના ઝાડ જેવી છે.
પાન વિના ઝાડ શોભતું નથી તેમ દુઃખ વિનાનું
જીવન પણ શોભતું નથી. પાન ઝાડને હરિયાળું
રાખે છે,દુઃખ જીવનને. સતત સુખી હોવા જેવું દુઃખ
બીજું એકેય નથી.
આપણને ક્યારેય ગમતી વસ્તુ ન મળી
હોય,પરીક્ષામાં નાપાસ ન થયા હોય,પાકીટ ન
ખોવાઈ ગયું હોય,કોઈ સાથે ઝઘડો ન થયો
હોય,પ્રેમમાં નિશ્ફળ ન ગયા હોય,પરિવારમાં
બોલાચાલી ન થઈ હોય,ઑફિસમાં બોસથી
મનદુઃખ ન થયું હોય, મિત્રો સાથે ખટરાગ ન થયો
હોય કે આવાં બીજાં અનેક નાનાં-નાનાં દુઃખો
આપણે ક્યારેય અનુભવ્યાં જ ન હોય તો આપણે
સમજી લેવાનું કે જીવન જીવતાં નથી. જેને કોઈ
મુશ્કેલી નથી,તેની પાસે કોઈ જીવન પણ નથી.
પથ્થર તોડવાની મુશ્કેલીમાંથી પસાર થયા પછી
એ બીજ કૂંપળનું રૂપ ધારણ કરે છે. આપણે એક બીજ
જેવું વ્યક્તિત્વ ધારણ કરીએ છીએ. આપણે જો
ઊગવું હોય તો હોય તો સમસ્યારૂપી પથ્થરને
તોડવો પડશે, તો જ કૂંપળ ઊગશે. આપણે જ્યારે
આપણા પ્રત્યે પોઝિટિવ વિચારતા થઈશું ત્યારે
સમજાશે કે આપણી પાસે શું નથી !
પ્રભાત આપણી પાસે ઝાકળ લઈને આવે છે. સૂરજ
તડકો પાથરે છે. હવા વહી રહી છે આપણા માટે.
ઝાડ ફળ આપવા તત્પર છે. ફૂલ પોતાની સુગંધ
આપવા રાજી છે. આપણું શરીર સ્વસ્થ છે. આપણે
બધું અનુભવી શકીએ છીએ. જોઈ શકીએ છીએ.
જાણી શકીએ છીએ. આપણી પાસે આટલું બધું છે,
છતાં આપણને જીવનની પીડા જ દેખાય છે, આનંદ
નથી દેખાતો. આપણે છોડ પર જે ગુલાબ ઊગ્યું છે તે
જોતા જ નથી. આપણે છોડ પર કાંટા છે તેનું દુઃખ
વ્યક્ત કર્યા કરીએ છીએ અને તેમાં ને તેમાં પેલું
ઊગેલું ગુલાબ કરમાઈ જાય છે અને આપણી પાસે જે
ગુલાબ હતું તેનાથી પણ વંચિત રહી જઈએ છીએ.
(લેખક : શ્રી અનિલ ચાવડા )

No comments:

Post a Comment